Ad Code

ભીમબાપુ ખાચર ભાડલા


ભાડલાનો ભડવીર ભીમ

જયમલ્લભાઇ પરમાર

 

JAY MAA CHAMUNDA



ભાડલાનો ભડવીર ભીમ

        અંગ્રેજોની આવતી સત્તા,મારે એની તલવારનો જમાનો અને કાઠીયાવાડ ટૂંક દ્રષ્ટિના, કુળના, જાતના, અને બળના મદમાં છકી હાલેલું.મણઝરના મોઢામાં ઝડપાયેલા મેડક માખિયું ખાવા ઝાવાં નાખે એમ અજાજૂડ આદમીઓ અંગ્રેજી સતાની ગુલામીનાં મગરને મોઢે ઝડપાયે જતા હતા અને એક-બીજાનાં સીમ-સેઢા દબાવવાની લાલચમાં રહેસાયે જતા હતાં.

        ભાવનગરમાં એ ટાણે મહારાજા વજેસંગ, જૂનાગઢમાં અમરજી દીવાન,ગોંડલમાં ભા કૂંભા,જામનગરમાં મેરુ ખવાસ,કચ્છમાં ફત્તેહમામદ જમાદાર જેવા તો સેંકડો નહિ પણ હજારો નર કચ્છ-કાઠીયાવાડની ધરતી માથે પાકેલાં.કચ્છ-કાઠીયાવાડમાં બળ સમાતું ન હતું, મહત્વકાંક્ષાઓ માતી ન હતી. પછી રોજના ધીંગાણે નિર્બળ બનતાં જઇને કચ્છ-કાઠીયાવાડમાં કુરુક્ષેત્ર જેવું કરી મેલ્યું હતું.

        દોઢસો-બસો વરસ પહેલાં જયાં કચ્છ-કાઠીયાવાડની ધરતી માથે મરદાનગી, ખમીર, ખાનદાની, દાતારી અને શૂરવીરતાના લકુંબઝકુંબ ફાલ હીંચકા લેતા હતાં ત્યાં આજે ચિતળના પાધર જેવું કરી મેલ્યું છે.આશ્ચર્ય થાય છે કે,એકાએક આ બધું કયા પાતાળે ઉતરી ગયું? માથાં વાઢવાં અને વઢાવવાં સિવાયના બીજા સંસ્કારો કઇ ધરતીમાં સમાઇ ગયાં? સૂરજ હોય એ તપ્યા વગર કેમ રહે? વાદળનાં કાફલા વીંધીને ઝળહળ્યાં વગર કેમ રહે?

        એ કાળે કુળની, જાતની, બળની ટૂંકી બુદ્ધિ હતી.પણ મરદાનગી મરી નહોતી ગઇ, ખમીર અને ખાનદાનીને ખળે નહોતાં નાખ્યાં. માથે આદુ નહોતાં વવાઇ ગયાં. આજે બુદ્ધિ વધી છે પણ દિલના અને દેહનાં દૈવત હરાઇ ગયાં છે, આજે જ્ઞાન વધ્યું છે પણ હ્રદયની સંપતિ હરાઇ ગઇ છે. દ્વવ્ય વધ્યું છે પણ દિલગજા ટૂંકા થઇ ગયાં છે.જગતમાં એકબીજાને મૂરખ બનાવવાની હુશિયારીની મુસ્તાકીમાં હસતાં ટૂંકા પનાનાં માનવીઓને જોઇએ છીએ ત્યારે મધ્યયુગની પાછલી પછડાટે ખુવાર મળી ગયેલાં એ કાળનાં માનવીઓ તાડ જેવડાં લાગે છે. એટલે જ ફરીફરીને યાદ આવ્યા કરે છે કે વિધાતાએ માનવઓની થોડી જ કળ ફેરવી હોત તો આજે જગત જુદું જ હોત.

        આજે માનવી સંપત્તિ ને સત્તાનો જુગાર ખેલી રહ્યાં છે. એ કાળે ખમીર અને ખાનદાનીને પાટલે જીવનનો જુગાર ખેલાતો. મરદાનગીને પડકાર થતાં મોત કેવું મીઠું કરી જાણતાં.આજે રાંકાંનાં ટોળાં ભમે છે, તે કાળે મરદનાં ધાડેધાડાં ફરતાં, રોજ ધરતી ઉલટપાલટ થતી. આજે માણસ મડદાલ બનતાં જાય છે ને પક્ષોની ઉલટપાલટ થાય છે.

        ભાડલા, ભીમોરાં, આણંદપર અને ચોટીલામાં પરમાર વંશના રાજ. કાઠી કુળનાં આપ લાખા ખાચર અને મુળુ ખાચરે પરમાર વંશના છેલ્લા દીવાને બુજાવી નાખીને ચારે ચોવીસી ઘરે કરી. મધ્ય કાઠીયાવાડ કડે કરી, અને એમનાં ભાઇયુંએ જસદણ, પાળિયાદ, ભડલી, ગઢડાં, આટકોટ સુધીનાં રાકાનનો પ્રદેશ પણ કબજે કર્યો. એ સાથે ખવડને ૩૬ ગામ સુદામડા અને ધાંધલપરના આપ્યાં, ધ્રુફણીયા, દેરાળાં, સજેલી ને વજેલી ગોવાળીયાં કાઠીઓને આપ્યાં. ખાચરોનાં ઘોડાં એક બાજુ ધોલેરા સુધીની પાળ ખાય છે અને એમનાં ઘોડાં અમદાવાદથી સુરત સુધીનાં લોંટાઝોંટા કરી ફેરા કરે છે.

        આ વખતને માથે કચ્છ અને મારવાડમાંથી રાજપૂતોનાં ઘોડાં ઉતરીને મુલક દબાવતાં જાય છે ને કાઠીઓ પાછાં હઠતા જાય છે. એવે ટાણે પાંચાળના ભાડલા ગામે એક અડાભીડ આદમી પાકયો.એ જોરાવર આદમી તે ભીમ ખાચર. એણે ભાડલા ચોવીસી કડે કરી. વંકા ડુંગરનો નાથ બની પડખેની રજપૂત ઠકરાતોને ભીંસ કરવા લાગ્યાં. રજપૂત રાજયોને આવા જોરાવર આદમીનો તે અવારનવાર ખપ પડે.

        ભા કુંભો ગોંડલની ગાદી માથેથી પોતાની હદ વધારવા ચારેકોર ભીંસ કરી રહેલ ને ભા કુંભો જેવાં જોરાવર એેવાં જ બુદ્ધિમાન. જામનગર અને જૂનાગઢ જેવાં રજવાડાંને કોણીયું ભરાવે છે ને બીજી બાજુ કાઠીઓનો મુલક કડે કરે છે. પણ ભા કુંભાને ય કોણિયું ભરાવનારા નીકળ્યાં એના જ ભત્રીજા જસોજી અને સરતાનજી.

        ભા કુંભાના સમોવડીયા થવાના જેને કોડ છે એવા જસાજી અને સરતાનજીએ ખાચર અને વાળાના પ્રદેશ વચ્ચે ફાચર મારીને સાંગાણી કોટડાનો કીલ્લો બાંધ્યો.

        બીજી બાજુ કરણ વાઘેલાના વંશજનું કાસળ કાઢીને રાજકોટ ઠાકોરે સરધાર સર કર્યું. પણ જસાજી અને સરતાનજીએ બાવડાના બળે અર્ધુ સરધાર પડાવી લીધું. સરધારમાં જમણી બજાર કોટડાની અને ડાબી બજાર રાજકોટની એમ ઉભું વેતર નાખી ધોંસણપરની ધરાર ખીર જસાજી સરતાનજી જમે છે.રાજકોટમાં આવેલું ડેરોઇ ગામ ભાડલાના ભીમ ખાચરના ભાણેજને આપેલું.આ ડેરોઇ પણ જસાજી સરતાનજી જમી ગયાં.

        એમને પોતાની તાકાતનો ભારે મદ આવી ગયેલો ને એવી પ્રતજ્ઞા કરેલી કે કાઠીઓનાં ઘોડાં જે ધરતી પર ફરે એ ધરતી પાછી પડાવીને ચારણ-બ્રાહ્મણોને કૃષ્ણાર્પણ કરી દેવી.આવી ફાટય આવી ગયેલી.

        એમાં ભા કુંભાના દરબારમાં બે સારાં બખ્તર આવ્યાં.બખ્તર જોતાં અમથાં અમથાં જુદ્ધે ચડવાનું શૂર ચડે એવાં અજોડ, બખ્તરની નામના ચોદિશ ફેલાવા માંડી.જાતી જસાજી સરતાનજીને કાને પડી.આવ્યાં ગોંડલ. ત્યાં ભા કુંભાને ચોળોપચોળો થયો કે બખ્તર દેખાડયાં ભેળાં બેય ઉપાડી જશે. એટલે બખ્તર દેખાડવાની આનાકાની કરવા માંડયા.

        પણ જસોજી અને સરતાનજીએ કાકા પાસે લાક કરીને બખ્તર જોયાં. જસાજી સરતાનજીને કહે છે કે :

        આ બખ્તર પહેર્યા વગર કેમ ખબર પડે કે કેવાંક શોભે છે ને કેવાંક ઘા ઝીલે એવાં છે?’

સરતાનજી જસાજીને કહે છે કે:

ભાઇ, તમે પહેરી જુઓ તો ! કેવા શોભે છો જોઇ બખ્તરમાં ?”

જસાજી સરતાનજીને કહે:

ભાઇ, હું પહેરું ને તું જુવે પણ તને કેવું શોભે છે એ મને કેમ ખબર પડે?”

આમ બે ય જણે બખ્તર ઉપાડી જવાનો ઘાટ ઉતાર્યો. બે ય ભાઇ બખ્તર પહેરતાં જાય અને એકબીજાનાં વખાણ કરતાં જાય.

ઓહોહોહો ! ભારી રૂડાં લાગે છે. આ તો જાણે આપણા માપનાં જ બનાવ્યાં લાગે છે.

ભાઇ, કહોકહ થઇ રિયે છે, ઘોડે બેઠાં પછી વધુ ખાતરી થાય હો !

        ભા કુંભો જોતાં રહ્યાં અને બે ય ભાઇએ બખ્તર પહેરીને ઘોડાં માચર મેલ્યાં તે વહેલું આવે કોટડાં. ઘોડાં પણ મલક માથે ન મળે એવાં જાતવાન, પવનપાંખાળા ને મનવેગી. ઘોડાંની આખી ફોજ ઉભી કરેલી.

        ભા કુંભો સમસમી રહ્યાં. ગોત્રને માથે સીધો હાથ કેમ ઉપાડવો? મુત્સદ્દગીરીમાં માળાના મેર જેવો ભા કુંભો ગળે ઘૂંટડો ઉતારી ગયાં.

        એવામાં સાયલાનું તોરણ બાંધનાર ધાંગધ્રાના ફટાયા શેસમાલજી ભા કુંભાના મહેમાન થયાં.શેસમાલજી પણ ઇ વખતની મુત્સદ્દગીરીને ઘોળીને પી ગયેલા.એના ટૂંકા નામ શેસાભાઇ તરીકે પંકાય. ભા કુંભા ને શેસાભાઇ વચ્ચે સંતલસ થઇ. શેસાભાઇ ઉપડયા ભાડલે ને ભીમ ખાચરને મળ્યાં. એક તો પોતાના ભાણેજનું ડેરોઇ જસાજી સરતાનજી ઓગળી ગયેલાં ને વળી ખાચર અને વાળા કાઠી એને અલ્લા તોભાં કરાવે,વળી ભીમ ખાચરને રાજકોટનો પણ નાતો.

શેસાભાઇએ ભા કુંભાના મનની વાત ભીમ ખાચર આગળ કરી કે:“બે માંથી એકાદ પતે તો ય ભા કુંભાને મોકળ થાય તેમ છે.

ભીમ ખાચરને તો એટલું જ જોતું હતું. કોટડા પડખે ગોંડલ ન હોય પછી રાજકોટ તો ભીમ ખાચરની ભેળું જ હોય પણ ભીમ ખાચરે એકલે હાથે પહોંચી વળવાનો પેંતરો રચ્યો શેસભાઇને કોટડા વિષ્ટિએ મોકલ્યાં.

કોટડે જઇને શેસાભાઇએ વિષ્ટિ માંડ કે,“એક બાજુ ભા કુંભા જેવા તમારા જોરાવર કાકાને મનદુ:ખ કરાવવાં,ને ભીમ ખાચર જેવા ભડ પુરૂષને કોચવવા સારા નહિં.

જસાજી-સરતાનજીએ જવાબ આપ્યો કે : “સાવઝની વિષ્ટિમાં તું સાંસોભાઇ (સસલું) શું જાણે? અમે તો જેમ ખાચર ને વાળા વચ્ચે બે ય કોર કોણી-આવીને ખાઇ છીં એમજ અમારા ભાયુંમાંથી પણ ખાશું, અને અમારી ભાયુંની વાતુમાં તમારે વધું વેગ ન કરવો, નકર અમારી પ્રતિજ્ઞા જાણો છો કે કાઠીયુંના ઘોડાં જે ધરતી પર ફરે એ ધરતી પાછી પડાવીને અમારે બ્રાહ્મણ –ચારણોને કૃષ્ણાર્પણ કરવી પડશે.આપા ભીમને કે જો કે તમારું તમે સાચવો,આ તો અમારા ઘરની વાત છે.

જસાજી-સરતાનજીનો જવાબ સાંભળીને ભા કુંભો મૂછમાં હસ્યાં, પરબારો ઘાટ ઉતરવાનો લાગ મળી ગયો.આપા ભીમને પણ આટલું જોતુંતું. પણ જસાજી-સરતાનજીનાં જોર એનાં ઘોડાં માથે હતાં.જસાજી-સરતાનજી કહેતા કે અમારાં ઘોડાં ફરે ઇયાં કાઠીનાં ઘોડાં ફરકે નહિં, અને ફરકે તો ઇ ધરતી પડાવીને દાનમાં દીધે જ છૂટકો.

આપા ભીમ પાસે એવું ઘોડું નહિં. ભાડલા ચારણો પાસે એક જાતવાન શુકનિયાળ મલ્ય ઘોડી, પણ નકરાં દૂધ ને સો મણ સાટા ખાઇને ઉછરેલી. માલિક કરતાં પ્રાણ છાંડે એવી જાતવાન મલ્ય. આ મલ્ય ઘોડી ગાંડી કહેવાતી.

આપા ભીમે સંબંધમાં ગળે પડીને આ મલ્ય ઘોડી મેળવી. કોટડાના ધણને વાળીને જસાજી અને સરતાનજીને પડમાં લીધાં. દડવા થી ઉપરના ભાગે કરમાળને કાંઠે કાઠીઓને રજપૂતોનો ભેટો થઇ ગયો.આ તો શૂરવીરોનાં ધીંગાણા. કરમાળને કાંઠે કાઠીઓ અને રજપૂતોની ભ્રેકુંડ ખાંભીઓ ખોડાઇ ગઇ. આપા ભીમે જસાજી અને સરતાનજીને રણમાં રોળ્યાં.

આ ધીંગાણાની ઉડતી વાત ભાડલે આવી કે મલ્ય ઘોડી ગૂડા ખોડી ગઇ અને અસવાર ઘવાણાં. ગઢમાં મૂંઝવણ થઇ, પણ આપા ભીમને મલ્ય ઘોડી આપનાર ચારણે ગઢમાં કહેવરાવ્યું કે : આઇને કહો કે અમારી મલ્યને મારી માં ત્રણ વખત નજર સામે જોવરાવી-સોવરાવીને જોગાણ ખવરાવતાં, ને મલ્યની નળિયું ઘી-દૂધની સંચેલ છે. એટલે જો ગુડા ખોડી ગય હોય અને અસવાર ગુડાણો હોય તો એ મલ્ય અને મલ્યનો અસવાર ન હોય. આપા ભીમ સલામત ન આવે તો હું ચારણ નહીં. મલ્ય મરે નહિ અને મરવા દીએ નહીં.

        બન્યું ય એવું. મલ્ય અને આપા ભીમ વિજય વરીને ભાડલે આવ્યા ત્યારે બારોટે બિરદાવલી શરૂ કરી કે :

ભડ અટંકો ભાડલે, તું ઠાડણ ભીમ ન થાત,

ત્રેય પરજું લખધીરરાં, પાછિયું પાવર જાત.

        હે ભીમ ખાચર ! તારા જેવો અટંકી ને જોરાવર પુરૂષ ભાડલે ન પાકયો હોત તો કાઠીઓની ત્રણેય પરજને કાઠીયાવાડ છોડીને પાછા પાવર દેશમાં જવાનો વારો આવી જાત

(ભાડલા,કોટડા ને કરમાળ વગેરે પંથકની ઘણી વાતું હજી અપ્રગટ પડી છે. ભાડલાના રાકાનની વાતો પણ પ્રકાશ માગે છે.)    

નોંધ:- નીચેના ફોટામાં દ્રશ્યમાન થતો પાળીયો ભાડલા દરબાર શ્રી,કરણબાપુ ભીમબાપુ ખાચર નો છે. જે જુના રાજપીપળા,રામજીમંદીર,ખાતેનો છે. 

 


 

        

 

 

 

 

 

 

 

 

                                          

Post a Comment

0 Comments